“
પ્રેમનો લિટમસ ટેસ્ટ શાંતિ છે. જેમની હાજરીમાં તમે શાંત અને સુરક્ષિત હોવાનો અનુભવ કરો છો, ત્યાં પ્રેમ મળવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે. કારણકે કોઈ પણ સંબંધમાં એક્સાઈટમેન્ટ, ઉત્સાહ, અને સરપ્રાઈઝ બહુ જલદી ઓગળી જાય છે, પણ શાંતિ આજીવન ટકે છે. રોમાંચ અને રોમાન્સના ભરોસે દૂર સુધી નહીં જઈ શકાય, કારણકે એ અલ્પજીવી હોય છે. આજ નહીં તો કાલ, શૃંગાર રસ ગાયબ થવાનો જ છે. પણ શાંત રસ ક્યાંય નહીં જાય કારણકે આપણો મૂળ સ્વભાવ શાંત રસ છે. વર્ષો સુધી જે સાથીઓ એકબીજાને શાંત રસ પીરસી શકે, તેઓ પ્રેમમાં પરિપક્વતા અને પ્રગતિ પામી શકે. મોડી રાત સુધી ચાલતી વોટ્સ-એપ ચેટ, કલાકો સુધી ચાલતા ફોન કોલ્સ, અને પેટમાં ઉડતા પતંગિયા બહુ જ ટૂંકા સમયમાં ગાયબ થઈ જાય છે. વહાલના ઉભરા શમી જાય છે. મુગ્ધાવસ્થાની બધી જ લાગણીઓ બળી જાય, પછી જે શાંત અને સ્થિર રાખ વધે એનું નામ પ્રેમ છે. જ્યાં બે જણા વચ્ચેનું મૌન કમ્ફોર્ટેબલ હોય, ત્યાં પ્રેમનું બીજ અંકુરિત થઈ શકે છે. એક પણ શબ્દ બોલ્યા વગર કોઈની બાજુમાં બેસીને તમે એને સાંભળી શક્તા હો અને એ તમને સમજી શક્તા હોય, તો રોમેન્ટિક મેસેજીઝ કે લાલ ગુલાબનો મોહ ન રાખવો. કારણકે શાંત સંગાથ સાહચર્ય માટેના શ્રેષ્ઠ શુકન છે. જે વ્યક્તિ સાથે રહીને તમને ઘર જેવી ફીલિંગ આવે, એ પ્રેમનો મુકામ છે. જે ભાવાત્મક તોફાન સર્જે એ નહીં, જે માનસિક શાંતિ તરફ વાળે એને પ્રેમ ગણવો.
”
”
Dr. Nimit Oza